Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સંસ્કૃત વિભાગમાં “ભારતીય જ્ઞાન પ્રણાલી” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું.

10/10/2026
Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૬, બુધવારના રોજ “ભારતીય જ્ઞાન પ્રણાલી” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જ્ઞાનપરંપરા, તેના વિવિધ આયામો તથા વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને સમજ વિકસાવવાના ઉદ્દેશથી આ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તથા સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પરેશ રાવલ, સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. હિતાર્થી અગ્રાવત, સંયોજક ડૉ. જગત તેરૈયા, સહસંયોજક ડૉ. હંસાબેન ગુજરીયા તથા મુખ્ય વક્તા પ્રો. ડૉ. રાજા કાથડ, સંસ્કૃત વિભાગાધ્યક્ષ અને ચેરમેન, સંસ્કૃત બોર્ડ ઓફ સ્ટડી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા પ્રો. ડૉ. રાજા કાથડે “ભારતીય જ્ઞાન પ્રણાલી” વિષય પર અત્યંત માહિતીસભર અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ભારતીય જ્ઞાનપરંપરાની પ્રાચીનતા, તેની વૈવિધ્યસભર શાખાઓ, વેદ-ઉપનિષદ, દર્શન, યોગ, આયુર્વેદ, ભાષા-સાહિત્ય તથા જીવનમૂલ્યો જેવા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સાથે સાથે આજના આધુનિક યુગમાં ભારતીય જ્ઞાનપરંપરાની ઉપયોગિતા અને પ્રાસંગિકતા સમજાવી હતી. તેમના વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરા પ્રત્યે નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી. આ સેમિનારમાં મુખ્ય અને ગૌણ વિષય તરીકે સંસ્કૃત રાખનારા આશરે ૧૦૦ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તથા વહીવટી કર્મચારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર સેમિનાર દરમિયાન સૌએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો અને મુખ્ય વક્તાના વિચારોને રસપૂર્વક સાંભળ્યા. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી. સેમિનારના સફળ આયોજન બદલ મુખ્ય વક્તા, આચાર્યશ્રી, વિભાગાધ્યક્ષશ્રી, સંયોજકશ્રી, સહસંયોજકશ્રી, સ્ટાફ તથા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ ઉપસ્થિત મહેમાનો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સહભોજન લીધું અને આનંદપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીને સૌ છૂટા પડ્યા. આ રીતે સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત “ભારતીય જ્ઞાન પ્રણાલી” વિષયક એક દિવસીય સેમિનાર જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને સફળ રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે ગૌરવભાવ તથા તેના સંરક્ષણ અને સંવર્ધન માટેની જાગૃતિ કેળવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.