વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી – 2026
10/08/2026
ધર્મેદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ
આયોજક વિભાગ : ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ, સમાજશાસ્ત્ર વિભાગ તારીખ : 10 ઓગસ્ટ, 2026 સમય : સવારે 09.30 થી 11.00 વાગ્યા સુધી સ્થળ: સમાજશાસ્ત્ર વિભાગ, રૂમ નંબર : 19 દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા 'વિશ્વ આદિવાસી દિવસ' (International Day of the World's Indigenous Peoples) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરના આદિવાસી સમુદાયોના માનવ અધિકારોનું રક્ષણ કરવાનો, તેમની અનન્ય સંસ્કૃતિ, બોલી, ભાષા અને પરંપરાઓને જાળવી રાખવાનો તેમજ તેમના સામાજિક, આર્થિક તથા શૈક્ષણિક ઉત્થાન માટે સમાજને જાગૃત કરવાનો છે.આપણા દેશના સામાજિક અને સાંસ્કૃતિક તાણાવાણામાં આદિવાસી સમુદાયનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં આદિવાસી જીવનશૈલી, ઇતિહાસ અને તેમના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા કેળવાય તે હેતુસર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સવારે ૦૯:૩૦ વાગ્યે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી અધ્યક્ષસ્થાને રહ્યા હતા, જ્યારે મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન, વાણીજ્ય અને વિજ્ઞાન કૉલેજ, પાટડીના સમાજશાસ્ત્રના અધ્યક્ષ ડૉ. ફરુક ખાન ઉપસ્થિત રહ્યા હતા.સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ્વરી રવિયા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આદિવાસીઓ એ જંગલ, જમીન અને જળના સાચા રક્ષક છે. આધુનિક વિકાસની દોડમાં આપણે તેમની પરંપરાગત જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને શીખવાની જરૂર છે. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. ફરુક ખાન સાહેબે પોતાના વિસ્તૃત વક્તવ્યમાં નીચેના મહત્ત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બિરસા મુંડા, ટંતીયા ભીલ, ગોવિંદ ગુરુ અને સીતારામ રાજુ જેવા વીર આદિવાસી નાયકોના બલિદાન અને બ્રિટિશ સામ્રાજ્ય સામેના સંઘર્ષની ગાથાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી.ભારતીય બંધારણમાં આદિવાસીઓ માટે આપવામાં આવેલી વિશેષ જોગવાઈઓ (જેમ કે અનુસૂચિ ૫ અને ૬, PESA એક્ટ, વન અધિકાર અધિનિયમ) વિશે કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.આધુનિકરણ અને વૈશ્વિકીકરણના કારણે આદિવાસીઓની ભાષા, સંસ્કૃતિ અને આજીવિકા સામે ઊભા થયેલા જોખમો અને તેના નિરાકરણ અંગે ચર્ચા થઈ. વિદ્યાર્થીઓ અને વક્તાઓ વચ્ચે એક ખુલ્લું સંવાદ સત્ર યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પૂછ્યું કે, "વિકાસ અને પર્યાવરણના રક્ષણ વચ્ચે કેવું સંતુલન સાધી શકાય?"




