Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

N.S.S. અને N.C.C. ના સંયુક્ત ઉપક્રમે તિરંગા રેલી યાત્રા – 2026

12/09/2026
ધર્મેદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ

આઝાદીના અમૃત મહોત્સવ અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યુવા પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને પ્રજ્વલિત કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને ઐતિહાસિક 'તિરંગા યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે યાત્રાના એક સપ્તાહ અગાઉ કોલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલના અધ્યક્ષસ્થાને N.S.S. અને N.C.C.ના પ્રોગ્રામ ઓફિસરની એક વિશેષ સમિતીની બેઠક યોજાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોને અગવડ ન પડે તે માટે પોલીસ વિભાગની મંજૂરી મેળવીને યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. કેડેટ્સ અને સ્વયંસેવકોને પરેડ કંટ્રોલ, નારા લેખન, બેનર મેનેજમેન્ટ, જેવી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.ઉત્સાહ વધારવા માટે નાના-મોટા રાષ્ટ્રધ્વજ, બેનરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાનીઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.કોલેજના આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલએ પોતાના ઉદ્બોધનમાં તિરંગાના ત્રણ રંગો (કેસરી, સફેદ અને લીલો) અને તેના પ્રતીકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને શિસ્ત અને રાષ્ટ્રનિષ્ઠાના પાઠ ભણાવ્યા હતા.સવારે 11.00 કલાકે આચાર્યશ્રી ડૉ. પરેશ રાવલ તથા N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિરવ ઠાકર અને N.C.C ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહેશ્વરી રવિયાએ લીલી ઝંડી બતાવીને અને વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.આ યાત્રાનું મુખ્ય આકર્ષણ N.C.C કેડેટ્સની શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને N.S.S. સ્વયંસેવકોનો ઉત્સાહ હતો.કોલેજ ગેટથી પ્રસ્થાન પામેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રેસકોર્ષ રીંગરોડ થઈને પસાર થઈ હતી.વિદ્યાર્થીઓએ "વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા", "વંદે માતરમ” અને "ભારત માતા કી જય" જેવા પ્રેરણાદાયી સુત્રોચાર કરેલા હતા.તિરંગા યાત્રા જ્યારે શહેરના મુખ્ય માર્ગ પર પસાર થઈ ત્યારે સ્થાનિક નાગરિકો, વ્યાપારીઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. રસ્તા પર ઊભેલા નાગરિકોએ પણ હાથ હલાવીને અને ભારત માતાના જયકારા સાથે વિદ્યાર્થીઓનો હોંસલો વધાર્યો હતો. આ દશ્ય અદભુત રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહ્યું હતું. N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિરવ ઠાકર અને N.C.C. પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહેશ્વરી રવિયા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, "આઝાદી આપણને સરળતાથી નથી મળી, અને તેનું રક્ષણ કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે."કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે એકસૂરે દેશની અખંડિતતા જાળવી રાખવા, કાયદાનું પાલન કરવા અને સ્વચ્છ તથા વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.સમગ્ર પરિસરે સાવધાનની મુદ્રામાં ઊભા રહીને રાષ્ટ્રગીત ('જન ગણ મન') નું ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. કોલેજમાં યોજાયેલી આ 'તિરંગા યાત્રા' માત્ર એક ઉત્સવ કે રેલી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તે યુવા વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારીઓ, દેશભક્તિ અને કર્તવ્યનિષ્ઠાની ભાવનાને મજબૂત કરનારું એક માર્ગદર્શક સોપાન બની રહી.