Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ઇતિહાસ વિભાગ દ્વારા ભવ્ય 'ઉડાન' દીક્ષાંત સમારોહ

24/03/2026
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટના ઇતિહાસ વિભાગ દ્વારા તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ બી.એ. સેમેસ્ટર-૬ (તૃતીય વર્ષ) ના વિદ્યાર્થીઓ માટે 'ઉડાન' શીર્ષક હેઠળ એક ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર અને ભાવસભર પ્રાર્થના અને દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યુ હતું, જેણે સમગ્ર વાતાવરણમાં એક દિવ્યતા પ્રસરાવી દીધી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડોલ્સ મ્યુઝિયમમાંથી કિર્તીબેન રાવલ અને કલ્પનાબેન આચાર્ય તેમજ અભિલેખાગારમાંથી તેના પ્રતિનિધિ રાજેશભાઈ વ્યાસ તથા અધ્યક્ષ તરીકે પ્રો. અશ્વિન આર.પુંજાણી સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં આતિથિઓનું શાબ્દિક સ્વાગત જોટવા રવિ દ્વારા કરવામાં આવ્યુ ત્યારબાદ અતિથીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પણ મંચ પરથી પોતાના કોલેજ કાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્યારબાદ ઇતિહાસ વિભાગના પ્રથમ અને દ્વિતિય વર્ષના વિદ્યાર્થિઓએ પોતાના સિનિયર સાથેના પોતાના લાગણી સભર પ્રસંગો રજુ કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય તબક્કામાં ઇતિહાસ વિભાગના અધ્યાપક પ્રો. શશિકાંત ચૌહાણ, ડૉ. ધર્મેશ પરમાર, અને ડૉ. કિરણબેન વાડોદરિયા અને રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યાપક મનીષાબેન દેવળીયા દ્વારા ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક વક્તવ્યો આપવામાં આવ્યા હતા. તેમાં વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછીની કારકિર્દી અને જીવનના મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. અતિથિ વિશેષ પૈકી કિર્તીબેન રાવલે વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરક ઉદબોધન આપી શુભેચ્છાઓ પાઠવી અને ત્યારબાદ સમારોહના અધ્યક્ષ શ્રી અશ્વિન પૂંજાણી સાહેબ દ્વારા વિદ્યાર્થિઓને ભવિષ્યના પડકારો ઝીલવા માટે જરુરી વિવિધ ગુણોથી સજ્જ થવા માટે પ્રેરીત કર્યા હતા., સન્માનની શ્રેણીમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યુનિવર્સિટી કક્ષાએ ઇતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઝાપડિયા ટીના અને રાજ્યશાસ્ત્ર વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર જાડેજા દેવરત્નસિંહને ઇતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી અશ્વિન પુંજાણી સાહેબના હસ્તે શિલ્ડ અર્પણ કરી વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે દીક્ષાંત પ્રાપ્ત કરનાર તમામ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને વિભાગ તરફથી સ્મૃતિ ચિહ્ન રૂપે પેન અર્પણ કરવામાં આવી હતી. સાથોસાથ, દીક્ષાંત પ્રાપ્ત કરનાર ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓએ પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા ઇતિહાસ વિભાગ અને તમામ અધ્યાપકોને યાદગાર સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમના સમાપન પૂર્વે મુખ્ય અતિથિ તરીકે કૉલેજના આચાર્ય ડૉ. પરેશ રાવલ સાહેબ ઓનલાઇન (વર્ચુઅલ) રીતે જોડાયા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે દીક્ષાંત એ અંત નથી પરંતુ નવા આકાશમાં ઉડાન ભરવાની શરૂઆત છે. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં પરમાર હસ્તીએ તમામનો આભાર માની ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નિરવ ઠાકર, ભુગોળના અધ્યાપક પ્રો. રિતેશ પટેલ તથા હિન્દી વિભાગના અધ્યાપક ડૉ. કિરણ ડોડિયા પણ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જોશી હર્ષવર્ધન અને કુબાવત દેવાંગ દ્વારા આકર્ષક શૈલીમાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ આયોજન ઇતિહાસ વિભાગના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેમની વ્યવસ્થાપન શક્તિનો પરિચય આપતો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન લીધું હતું અને ખૂબ જ હૃદયસ્પર્શી યાદો સાથે છૂટા પડ્યા હતા.