Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Budget Talk2026 @ Campus ( કેન્દ્રીય અંદાજપત્ર – ૨૦૨૬)

12/02/2026
AUDITORIUM -DHARMENDRASINHJI ARTS COLLEGE-RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટ ખાતે Budget Talk2026 @ Campus અંતર્ગત કેન્દ્રીય અંદાજપત્ર – ૨૦૨૬ની સાનુકુળ અસરો પર ચર્ચાનું આયોજન થયું. Date:13/02/2026 ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટનાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આજરોજ તારીખ ૧૨-૦૨-૨૦૨૬નાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની ઉચ્ચ શિક્ષણ કચેરીનાં માર્ગદર્શન હેઠળ Budget Talk@ Campus અંતર્ગત કેન્દ્રીય અંદાજપત્ર – ૨૦૨૬ની સાનુકુળ અસરો પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાન અને ત્યારબાદ દીપ પ્રાગટ્યથી કરી હતી. નિષ્ણાત વક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના મુખ્ય વક્તાઓ તરીકે રાજકોટના નામાંકિત C.A. શ્રી હાર્દિક વ્યાસ અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના, અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. સંજય પંડયા દ્વારા ૧લી ફેબ્રુઆરી, ૨૦૨૬નાં રોજ સંસદમાં ભારતનાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા રજુ થયેલ અંદાજપત્ર-૨૦૨૬ વિષે રસપ્રદ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. પ્રથમ વક્તા તરીકે C.A. શ્રી હાર્દિક વ્યાસે અંદાજપત્રનું પ્રાથમિક જ્ઞાન સરળ ભાષામાં વિવિધ ઉદાહરણો સાથે રજુ કરેલ. તેમણે જણાવ્યું કે, આ વર્ષનું અંદાજપત્ર, ૨૦૩૦માં ભારતનું વિશ્વનાં મજબુત અર્થતંત્રોમાં ત્રીજા ક્રમે પહોચવું અને ૨૦૪૭માં ભારતને વિકસિત બનાવવાના લક્ષ્યાંક પર આધારિત છે. વર્તમાન અંદાજપત્ર અગાઉના અંદાજપત્રના કદની દ્રષ્ટિએ ૧૫% વધુ હોવાનું જણાવી, ભારતે આ વર્ષે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ ફાળવણી કરેલ છે. ભારતે આ અંદાજપત્રમાં માળખાકીય સુધારા માટે ૧૨.૫ લાખ કરોડની ફાળવણી અને મૂડી ખર્ચ પર વધારે ભાર મુકેલ છે તેમ તેમણે વાત કરી હતી. આ અંદાજપત્રમાં સેમીકંડકટરનાં વિકાસ માટે વધુ ખર્ચ આ ક્ષેત્ર પર ભારતની નિર્ભરતા ઘટાડશે તેમ જણાવેલ. ઉપરાંત શ્રી વ્યાસે આ અંદાજપત્ર મેકિંગ ઇન્ડીયા, ૧૫૦૦ કોલેજોમાં AI આધારિત લેબનું નિર્માણ કરવા માટે ૧૦,૦૦૦ કરોડનું ખર્ચ, ૩૬ પ્રકારના અલગ-અલગ ડ્રગ્સ પર કસ્ટમ ડ્યુટી નાબુદ વગેરે બાબતો પર તેમને વિસ્તૃત વાત કરી હતી. બીજા વક્તા ડો. સંજય પંડયાએ દર વર્ષે અંદાજપત્રમાં ખર્ચની ફાળવણીમાં વધારા પાછળનું દેશની જનસંખ્યામાં થયેલ વધારાની વાતથી શરૂઆત કરી, આ અંદાજપત્ર આર્થિક સ્થિરતા, આર્થિક વૃદ્ધિ અને આર્થિક સમાનતા તરફનું છે તેમ જણાવેલ. ડો. પંડ્યાએ પ્રગતિશીલ કરવેરા, જેન્ડર બજેટીંગ અને બજેટના અલગ-અલગ પ્રકારો વિષે સરળ ભાષામાં રજૂઆત કરી હતી. તેમને બજેટનો ઈતિહાસ સમજાવી અલગ-અલગ ક્ષેત્રોમાં નાણાકીય ફાળવણીમાં વધારાની વાત કરી અને તે ક્ષેત્રનું પરફોર્મન્સ કેવું રહેશે તેની વિગતવાર ચર્ચા કરેલ. અંદાજપત્રના દિવસે શેરબજારમાં થયેલ અસરની વાત કરી, આ અંદાજપત્રમાં મહિલાઓ સંબંધિત વિવિધ યોજનાઓની વાત કરી હતી તેમાં દરેક જીલ્લામાં ગર્લ્સ હોસ્ટેલનાં નિર્માણની જોગવાઈ લાંબાગાળે મહિલા શિક્ષણ અને સશક્તિકરણમાં સુધારો લાવશે અને આ અંદાજપત્રમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્ર પર નાણાકીય ફાળવણી, ગ્રામીણ શ્રમિકો અને ખેડૂતો પર સંભવિત અનુકુળ અસરોની છણાવટ કરેલ. વક્તાશ્રીઓના વ્યાખ્યાનના અંતે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી સત્ર આયોજિત કરવામાં આવેલ અને અનેક પ્રશ્નોની ચર્ચા થયેલ. આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત રાજકોટની કણસાગરા મહિલા કોલેજના અર્થશાસ્ત્રનાં વિદ્યાર્થીઓ મળી કુલ ૨૦૦ની સંખ્યામાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં અધ્યક્ષપદે કોલેજના સીનીયર પ્રાધ્યાપક ડો. શિરીશ ભારદ્વાજ રહ્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન અને સંકલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને કાર્યક્રમના નોડેલ અધિકારી ડો. હર્ષિદા જગોદડીયા સાથે પ્રાધ્યાપકો ડો. રણછોડ ગાગલ અને ડો. ભરત સોલંકીએ કર્યું હતું. આભારવિધિ અંગ્રેજી વિભાગના પ્રા. ડો. ઋષિરાજ વાઘેલાએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતીના પ્રા.ડો. કેતન કાનપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમ સમાપન જાહેર કરવામાં આવ્યું હતું.