Workshop
18/02/2026
Dharmendrasinhji Arts College, Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજનાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગનાં સંયુક્ત ઉપક્રમે સંશોધન પેપર અને સંશોધન પ્રપોઝલ રાઈટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. નોલેજ કન્સોર્ડીયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા “Research, Innovation and Extension Grants to Government Colleges” યોજના અંતર્ગત ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજનાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગનાં સંયુક્ત ઉપક્રમે સંશોધન પેપર અને સંશોધન પ્રપોઝલ રાઈટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનું આયોજન ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૬નાં રોજ કોલેજના સેમીનાર હોલમાં કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ કોલેજનાં અધ્યાપકો, વિવિધ યુનીવર્સીટીનાં રીસર્ચ સ્કોલર્સ, સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦૨ લોકોએ ભાગ લીધેલ. સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી આયોજિત આ વર્કશોપનું ઉદ્ઘાટન કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલના હસ્તે થયું હતું. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજોમાં સંશોધનને વેગ અને પ્રોત્સાહન માટે સરકારની પહેલને બિરદાવી હતી. મુખ્ય વક્તા તરીકે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના અર્થશાસ્ત્રનાં પ્રોફેસર ડો. આત્માન શાહ હાજર રહ્યા હતા અને તેમનું સ્વાગત કોલેજના અર્થશાસ્ત્રનાં અધ્યક્ષ અને પ્રોફેસર ડો. હર્ષિદા જગોદડીયાએ કર્યું હતું ત્યારબાદ કો-ઓર્ડિનેટર ડો. રણછોડ ગાગલે વર્કશોપની રૂપરેખા અને પરિચય આપ્યું હતું. ડો. રીતેશ પટેલે વક્તાનો પરિચય આપી વ્યાખ્યાન સત્રની શરૂઆત કરાવી હતી. પ્રથમ સત્રમાં ડો. આત્માન શાહે સંશોધન પેપર લખવા માટેનું માળખું, સંશોધન પત્રને શીર્ષક કેમ નક્કી કરવું તેના પર ભાર મુકેલ. તેમણે પોતાના સંશોધન પ્રોજેક્ટસનાં વિવિધ ઉદાહરણો રજુ કરી સંશોધન પત્ર તૈયાર કરવાના દરેક તબક્કે અઢળક ઉદાહરણો સાથે વિસ્તૃત જ્ઞાન પ્રદાન કર્યું હતું. બીજા સત્રમાં તેમણે સંશોધન પેપરની ડીઝાઇન, સંશોધન હેતુઓ અને ઉત્કલ્પનાં અને તેની ચકાસણી વિષે વાત કરી હતી. કયા પ્રકારના સંશોધનમાં કેવા પ્રકારના સંશોધન ટુલ્સ લગાવી શકાય અને તેના આંતરસંબંધો કેવી રીતે ચકાસી શકાય તેની વિસ્તૃત અને અસરકારક માહિતી રજુ કરી હતી. તેમનાં બંને સત્ર ખુબ અસરકારક, લાભદાયી અને ગુણવતાવાળું સંશોધન કરવા માટે ખુબ ઉપયોગી હોવાનું શ્રોતાઓએ જણાવ્યું હતું. ભોજન વિરામ બાદનાં સત્ર માટે મુખ્ય વક્તા તરીકે રાજકોટની એમ.જે. કુંડલીયા ઈંગ્લીશ મીડીયમ મહિલા કોલેજના પ્રોફેસર ડો. મનીષ રાવલ હાજર રહ્યા હતા. ડો. મનીષ રાવલનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કોલેજના આચાર્યશ્રી ડો. પરેશ રાવલે કર્યું હતું. સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. નિરવ ઠાકરે વક્તાનો પરિચય કરાવી આગળના વ્યાખ્યાન સત્ર શરુ કરાવ્યા હતા. ત્રીજા સત્રમાં ડો. મનીષ રાવલે સંશોધન દરખાસ્ત કેવી રીતે તૈયાર કરવી તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે સંશોધન દરખાસ્ત તૌયાર કરવાનો પાયો સંદર્ભ સાહિત્યનુ વાંચન અને તેના આધારે સંશોધનની વિસ્તૃત સમજનાં નિર્માણ પર છે તેમ સમજાવ્યું હતું. ડો. રાવલે સંશોધન દરખાસ્ત માટે નમુનાની પસદગી અને કદનું મહત્વ સમજાવી તે નક્કી કરવા માટેની પદ્ધતિ સરળ ભાષામાં સમજાવી હતી. ચોથા અને અંતિમ સત્રમાં ડો. મનીષ રાવલે કોલેજના અધ્યાપકો માટે ફંડિંગ પ્રોજેક્ટ મેળવવા માટે સંશોધન દરખાસ્ત કેમ બનાવવી અને તેમાં કઈ બાબતો પર ભાર મુકવું જોઈએ તેની ચર્ચા કરી હતી. ફંડિંગ પ્રોજેક્ટ આપતી રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓની જાણકારી આપી, એજન્સીઓ પાસે આવતી સંશોધન દરખાસ્તની અરજીઓની પસંદગીની બાબતમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે તેની વાત કરી હતી. આવા પ્રોજેક્ટ માટેની દરખાસ્ત તૈયાર કરવા શરૂઆતથી અંત સુધીના દરેક તબક્કા ઉદાહરણો સાથે સમજાવ્યા હતા. વ્યાખ્યાન સત્રનાં અંતે પ્રશ્નોતરી સત્રમાં વિવિધ શ્રોતાઓએ સંશોધન સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી તેનું નિરાકરણ થયાનું અનુભવેલ. કાર્યક્રમના સમાપન સત્રમાં બહારથી પધારેલ શ્રોતાઓએ પોતાના અભિપ્રાય જણાવી સફળ વર્કશોપના આયોજન બદલ આયોજક ટીમ અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ વર્કશોપ કો-ઓર્ડિનેટર ડો. રણછોડ ગાગલે અને સફળ સંચાલન ડો. હંસા ગુજરીયાએ કર્યું હતું. આ વર્કશોપને સફળ બનાવવા માટે આચાર્યશ્રી ડો. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ કો- કોઓર્ડિનેટરો ડો. નિરવ ઠાકર, ડો. મહેશ્વરી રવિયા, ડો. હર્ષિદા જગોદડીયા અને ડો. ભરત સોલંકી સાથે કોલેજના તમામ અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી.




