One Day Workshop on "Happiness in Social Science"
09/10/2025
Auditorium Hall
“સામાજિક વિજ્ઞાનમાં સુખની સંકલ્પના” વિષય પર એક દિવસીય કાર્યશાળાનો અહેવાલ તા. ૦૯/૧૦/૨૦૨૫ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં આજરોજ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા “સામાજિક વિજ્ઞાનમાં સુખની સંકલ્પના” વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે જાણીતા અર્થવીદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં અર્થશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા અને પ્રોફેસર ડો. કે. કે. ખખ્ખર સાહેબ જોડાયા હતા. કાર્યશાળાની શરૂઆત પ્રાર્થના અને મહેમાનો દ્વારા દીપ પ્રગટ્યથી થઇ હતી. કોલેજના વડા અને કાર્યક્રમના માર્ગદર્શક આચાર્યશ્રી ડો. પરેશ રાવલે વક્તા ડો. કે.કે. ખખ્ખર સાહેબનો સ્વાગત કરેલ અને અર્થશાસ્ત્રમાં તેમનાં કામનો ફાળો અને મહત્વ વિષે જણાવેલ. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. હર્ષિદા જગોદડીયાએ વક્તાનો પરિચય કરાવ્યો હતો. ડો. કે.કે. ખખ્ખરે તેમનાં વિસ્તૃત વ્યાખ્યાનમાં સામાજિક વિજ્ઞાનમાં સુખની અનુભૂતિ ક્યાંથી થઇ શકે, સામાજિક વિજ્ઞાનમાં સુખની સપાટી કેવી રીતે નક્કી કરવી, વર્તમાન વૈશ્વિક પરીપ્રેક્ષ્યમાં આર્થિક હિંસાથી અસંવેદિત સમાજ ઉભો થાય છે તે વિષે વાત અને ચિંતા કરી હતી. વિવિધ અર્થશાસ્ત્રીઓના વિકાસના ખ્યાલોને વર્તમાન સ્થિતિ સાથે જોડી માત્ર વૃદ્ધિ નહિ પણ માણસનો વિકાસ થાય તેને લગતા મહત્વના મુદ્દાઓ સરળ અને વિસ્તૃત દાખલાઓ સાથે રજુ કર્યાં હતા. વર્તમાન વિશ્વમાં આર્થિક સત્તાના વધતા કેન્દ્રીકરણ સામે ગાંધીજીની વિકેન્દ્રીકરણની ભાવનાને મજબૂતી સાથે અમલીકરણની સમાજને તાતી જરૂર છે તેમ જણાવ્યું હતું. ડો. કે. કે. ખખ્ખરે ભારતનાં નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી ડો. અમર્ત્યકુમાર સેનનાં વિચારો પર ગુજરાતી ભાષામાં પુસ્તકો લખેલ હોવાથી અને સેનનાં ગરીબીનાં વિચારોથી પ્રભાવિત હોવાથી તેમણે ઝુપડપટ્ટીનાં લોકોની રહેણાંક, રોજગારી તેમનાં બાળકોની ભણતર અને આરોગ્યની સમસ્યાઓ આ સમુદાયનાં જીવનધોરણને કઈ રીતે અસર કરે છે તે બાબત સુખનાં સંદર્ભમાં જણાવેલ. વાક્તાશ્રીએ ગુજરાતનાં જાણીતા અર્થશાસ્ત્રી સ્વ. ડો. તુષાર હાથીને યાદ કરી આ વ્યાખ્યાન તેમને સ્મૃતિરૂપે અર્પણ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંકલન કોલેજના અર્થશાસ્ત્રનાં અધ્યાપકો ડો. હર્ષિદા જગોદડીયા, ડો. રણછોડ ગાગલ અને ડો. ભરત સોલંકીએ કરેલ, કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતીના પ્રાધ્યાપક ડો. કેતન કાનપરિયા અને આભારવિધિ સંસ્કૃતનાં પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાએ કરી હતી. આ કાર્યશાળામાં કોલેજનાં તમામ અધ્યાપકો ઉપરાંત સૌરાષ્ટ્ર યુનીવર્સીટી અને વિવિધ કોલેજોનાં ૨૦૦થી વધુ અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.




