સંસ્કૃત ગૌરવ યાત્રા – ૨૦૨૫
06/08/2025
ન્યુ એરા સ્કૂલ થી જીલ્લા પંચાયત ચોક
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા શિક્ષણ વિભાગના સહયોગથી સંસ્કૃત ગૌરવ યાત્રા – ૨૦૨૫નું આયોજન તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારશ્રી દ્વારા જિલ્લા સ્તરે જિલ્લા સ્તરીય પ્રશાસનના સહયોગથી રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કરવામાં આવ્યું જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાની નિયુક્તિ કમિટી મેમ્બર તરીકે થઈ હતી. કોલેજ કક્ષાએથી ઉત્કૃષ્ટ ટેબલો અને સંસ્કૃત ગરબા થાય તેવું કલેક્ટર સાહેબશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રા ન્યુ એરા સ્કૂલથી પ્રારંભ થઈને જીલ્લા પંચાયત ચોક સુધી સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી યોજાઈ. આ યાત્રામાં સંસ્કૃત ભાષા અને ભારતીય સાંસ્કૃતિક વારસાનું ગૌરવ ઉજવાયું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના સંસ્કૃત વિભાગ દ્વારા “સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા” હેઠળ બે ખાસ પ્રસ્તુતિઓ આપવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા સતત ચાર દિવસ સુધી મહેનત કરી ઉત્કૃષ્ટ 'વલભી વિદ્યાપીઠ'ની પ્રતિકૃતિ “ટેબલો” તૈયાર કરવામાં આવી. ૧. 'વલભી વિદ્યાપીઠ' ટેબલો – જે પ્રાચીન ગુરુકુલ પરંપરા અને વલભી શહેરના ઐતિહાસિક મહત્વને દર્શાવતો હતો. (માર્ગદર્શન – ડો. જગત આર. તેરૈયા) ૨. સંસ્કૃત ગરબા – જેમાં પરંપરાગત ગરબાના સ્વરૂપ સાથે સંસ્કૃત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું. (માર્ગદર્શન – ડો. હંસા ગુજરિયા) આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સંસ્કૃત વિભાગ પ્રાધ્યાપક ડો. જગત તેરૈયા અધ્યક્ષ અને ડો. હિતાર્થી અગ્રાવતના માર્ગદર્શન હેઠળ થયું, જ્યારે આચાર્યશ્રી ડો. પરેશ રાવલના આશીર્વચન અને પ્રેરણા મળી. યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતપ્રેમીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો. આ યાત્રામાં રાજકોટની વિવિધ શાળાઓના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર સાથે સાંસ્કૃતિક ગૌરવનો મહિમા ઉજાગર થયો.