MOU અંતર્ગત Event -1
16/02/2024
સાંદીપનિ વિદ્યા નિકેતન - પોરબંદર
વર્ષ 2023 ના જુલાઈ માસમાં સંસ્કૃતભાષા અને ભારતીય સંસ્કૃતિનાં પ્રચાર પ્રસાર માટે વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત અને પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (ભાઇશ્રી) દ્વારા સંચાલિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન - પોરબંદર સાથે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજનાં સંસ્કૃત વિભાગ દ્વારા Students Faculty Exchange MOU કરવામાં આવ્યા. જે અંતર્ગત 2024 નાં ફેબ્રુઆરી માસમાં પોરબંદર ખાતે આયોજિત ભાગવત ચિંતન શિબિરમાં સંસ્કૃત ભાગના વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા તેમની સાથે સંસ્કૃત વિભાગના અઘ્યાપક ડો. જે.આર. તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગુજરાતના તેમજ ભારતના પ્રસિદ્ધ સંસ્કૃત ભાષાના વિદ્વાનો દ્વારા ભાગવત મહાપુરાણ ઉપર ચિંતન મનપૂર્વક વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા જેનું શ્રવણ કરી વિદ્યાર્થીઓએ સાચા અર્થમાં સંસ્કૃત ભાષાની ગહનતા અને ભવ્યતાની ઝાંખી કરી જ્ઞાનની નવી ઉંચાઇ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલ ઇ-લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. આ પુસ્તકાલયમાં સાચવી રાખવામાં આવેલ સંસ્કૃત ભાષાના અનેક અપ્રાપ્ય અને દુર્લભ ગ્રંથો હસ્તપ્રતોમાં સચવાયેલા છે આવી હસ્તપ્રતો જોવા અને જાણવાનો પ્રયાસ કર્યો સાથે સાથે ઇ - લાઇબ્રેરીનું કઈ રીતે સંચાલન થાય છે તે જ્ઞાન પણ મેળવ્યું. આ સંકુલમાં જ આવેલ જ્યોતિષ, ગણિત અને વિજ્ઞાનની અદભુત લેબોરેટરી, પ્રયોગશાળાની પણ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. આ પ્રયોગશાળામાં સૂર્ય આદિ ગ્રહોની ગતિ, રાશિ ચક્રો, ગુરુત્વાકર્ષણ બળ તેમજ ગણિત વગેરે શાસ્ત્રોના અદભુત સિદ્ધાંતો પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે સિદ્ધાંતો જાણ્યા. સંસ્કૃતભાષાની વૈજ્ઞાનિકતા સિદ્ધ કરવા માટે બનેલ ભાષા વિજ્ઞાનની લેબોરેટરી "લેંગ્વેજ લેબ" ની પણ મુલાકાત લેવામાં આવી, જેમાં ભાષાની ઉત્પત્તિ, એકભાષા થી અન્ય ભાષામાં કોમ્પ્યુટરનાં માધ્યમથી અનુવાદ અને કોમ્પ્યુટરના માધ્યમથી ભાષાવિજ્ઞાન શીખવવાની પદ્ધતિઓ વિશે જ્ઞાન મેળવ્યું. 15 તારીખે રાત્રિના સમયે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીએ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સાંદીપનિના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ વૃંદવાદ્ય, ઐતિહાસિક ભવ્ય નાલંદા વિદ્યાલયનાં ગૌરવને ઉજાગર કરતી નાટિકા તેમજ અનેકવિધ શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા પ્રદર્શિત કરતી કૃતિઓનું મંચન થયું જે માણી, જાણી, સંસ્કૃત ભાષામાં રહેલ વિજ્ઞાન, સાચા અર્થમાં ભારતીય શિક્ષણ પરંપરા અને મૂલ્ય શિક્ષણનું મહત્વ વિદ્યાર્થિઓએ પ્રાપ્ત કર્યું. આમ વર્ષ 2023-24 દરમિયાન થયેલ સંસ્કૃત વિભાગના અને આ કોલેજના MOU અંતર્ગતની આ પ્રથમ પ્રવૃત્તિ સાચા અર્થમાં સાર્થક રહી.