Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

મધુપર્વ (2022-2023)

12/01/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગમાં આયોજક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ઉપક્રમે કૉલેજ ના પ્રિન્સિપાલ ડૉ.એ.એસ.રાઠોડના માર્ગદર્શનમાં યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી જિજ્ઞેશ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચનમાં અતિથિઓના પરિચય સાથે મધુ રાયના સાહિત્યની વિશિષ્ટતા અંગે ટૂંકમાં પણ રસપ્રદ માહિતી આપી. ત્યાર બાદ ભારવિ વતી સંજય ઉપાધ્યાયે ત્રણે મહેમાનોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો. મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યોની યુનિવર્સીટીના નિમાયેલા કુલાધિપતિ, સંત અને ચારણી સાહિત્યનાં જ્ઞાતા અને મધુ રાયના સન્મિત્ર પ્રા. ડૉ. બળવંત જાની પણ આ અવસરે અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને "મધુ રાયની મહત્તા" એવા વિષય સાથે પોતાનું બીજરૂપ વક્તવ્ય આપ્યું. વાર્તા, નવલકથા, નાટક અને નિબંધ એમ તમામ ગદ્ય સ્વરૂપોમાં મધુ રાયના ઉત્તમ પ્રદાનને એમણે પણ સહૃદયી વિદ્વાનની રીતે પોતાની આગવી શૈલીમાં ખોલી આપ્યા. વિવેચકોએ મધુ રાયના દીર્ઘકાળ સુધીના પત્રકારત્વ અને વિશિષ્ટ પ્રકારના નિબંધલેખનને ઉવેખીને અન્યાય કર્યો છે એ પણ નિખાલસતાથી દર્શાવ્યું. ત્યાર બાદ પ્રો. ડૉ. જિજ્ઞેશ ઉપાધ્યાય લિખિત પુસ્તક A journey of Indian English literature નું વિમોચન ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું. પુસ્તકનો પરિચય પ્રકાશક IAAR - Vedant વતી અર્જુન દવે દ્વારા કરાવાયો. પછી રજુ થયું રહસ્ય, રમૂજ અને ફેંટસી સભર એકાંકી "કાન્તા કહે"નું વાચિકમ. 'ભરત યાજ્ઞિક થિયેટર થેરાપી' દ્વારા રાજુ યાજ્ઞિકના નિર્દેશન તળે સાવ ટૂંકી મુદતે તૈયાર કરાયેલી અને મંચના મંજાયેલા કલાકારો સાથે 'ભારવિ'ના શિખાઉ કળાકારોએ કરેલી આ પ્રસ્તુતિએ હાસ્યના હિલ્લોળ વચ્ચે પ્રેક્ષકો અને ખુદ લેખકની પણ દાદ મેળવી. આ હળવા માહોલ પછી મધુ રાય સાથે સંવાદનો દોર સંભાળ્યો નવી પેઢીના સુખ્યાત વાર્તાકાર અને ઉમદા વક્તા કલ્પેશ પટેલે. સાહિત્યના ગહન અભ્યાસી અને મધુ રાયના પ્રખર વાચક કલ્પેશભાઈએ મધુ રાય રચિત તમામ સાહિત્યપ્રકારો વિષે વિશદ પણ રસપ્રદ પ્રશ્નો પૂછીને મધુ રાયમાં રહેલાં સર્જકને એવા જગાડ્યા કે સતત ત્રણ દિવસ મુસાફરી અને કાર્યક્રમોથી શ્રમિત હોવા છતાં લેખક એમના અસલ મૂડમાં આવી ગયા! એવા એવા જવાબો પોતાની આગવી શૈલીમાં આપ્યા કે ચાહકો ન્યાલ થઇ ગયા. પ્રેક્ષકોએ પૂછેલા ત્વરિત પ્રશ્નોના રમૂજરંગી પણ ગહન જવાબો આપીને મધુ રાયે દર્શાવી આપ્યું કે એ શબ્દોના કેવા અનોખા જાદુગર છે. આમ ત્રણેક કલાકના 'મધુપર્વ'ના સમાપનમાં ભારવિના પરાગ ત્રિવેદીએ આભારવિધિ કરી. સમગ્ર કાર્યક્રમના પ્રથમ દોરમાં અશ્વિની જોશી અને દ્વિતીય દોરમાં કલ્પેશ પટેલે ઉત્તમ સંચાલન કર્યું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.