Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘સર્જક સાથે સંવાદ’ (ગુજરાતી વિભાગ) 2021-2022

05/03/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગના ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમનું તા.05/03/2022ને શનિવારના રોજ સવારે 09:00 વાગ્યે આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ.સેમ-4ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં કવિશ્રી સંજુ વાળાનો કાવ્યસંગ્રહ ‘રાગાધીનમ’ પેપર-6 અંતર્ગત ભણાવવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ સંજુ વાળા સાથે પ્રત્યક્ષ સંવાદ કરી શકે તે હેતુસર ‘સર્જક સાથે સંવાદ’નું આયોજન હાથ ધરેલ. ઉપરાંત સેમ-6ના ગુજરાતી વિષયમાં પેપર-21 અંતર્ગત વિદ્યાર્થીઓ ‘સોમતીર્થ’ નવલકથાનો અભ્યાસ કરતા હોવાથી ડૉ.દલપત ચાવડાનું તદવિષયક વ્યાખ્યાન પણ ગોઠવેલ. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં કૉલેજના તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી મારુ ઉત્તમ જે. દ્વારા પ્રાર્થનાની સૂરમયી રજૂઆત થયેલ. કૉલેજના ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ સર્વે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. આ તકે M.V.M.મહિલા આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થિની દવે તૃપ્તિએ સંજુ વાળાની ‘કંકુ ઘોળ્યા શુકન લખી જોયા...’નું ગાયન રજૂ કર્યું હતું. ડૉ.એન.વી.જાનીએ શાબ્દિક પરિચય આપ્યા બાદ ડૉ.દલપત ચાવડાએ ‘સોમતીર્થ’ વિશે અભ્યાસકીય દૃષ્ટિએ પોતાના નિરીક્ષણો વ્યક્ત કર્યા હતા. મુખ્ય અતિથિ અને સર્જક એવા સંજુ વાળાના શાબ્દિક પરિચય પછી ‘સર્જક સાથે સંવાદ’ શરુ થયેલ, જે અંતર્ગત સંજુ વાળાએ પોતાની કવિતાનો પાઠ તથા કાવ્યકલાને સમજવાની કૂંચીઓ પણ ચીંધી હતી. મુખ્ય અતિથિના વ્યાખ્યાનના વિરામ બાદ કાલાવડની ડી.કે.કપુરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ.સુનિલભાઈ જાદવે આભારવિધિ કરીને કાર્યક્રમને અંતિમ ઓપ આપેલ. સમૂહમાં રાષ્ટ્ગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં રાજકોટ શહેરની અન્ય મીનાબહેન કુંડલિયા કૉલેજ, આર.આર.પટેલ મહિલા કૉલેજ, જે.જે.કુંડલિયા કૉલેજ, M.V.M.મહિલા આર્ટ્સ કૉલેજ તથા કાલાવડની ડી.કે.કપુરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના અધ્યાપક્શ્રીઓ (શ્રીરેખાબહેન મહેતા, શ્રીપ્રેમલતાબહેન ચાવડા, શ્રીવલ્લભભાઈ વઘાસિયા, શ્રીભાવનાબહેન પટેલ, શ્રીમંજુલાબહેન ચાવડા, શ્રીભારતીબહેન પટેલ, શ્રીભાવનાબહેન સોજીત્રા, શ્રીઉર્મિલાબહેન શુક્લ, શ્રીસંજયભાઈ કામદાર, શ્રીમયુરભાઈ રાઠોડ, શ્રીસનત ત્રિવેદી, શ્રીગિરિજાશંકર જોશી તથા કવિશ્રી હર્ષદ દવેની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ. કાર્યક્રમનું સંચાલન ડૉ.એન.વી.જાનીએ કરેલ. કાર્યક્રમનું સફળ આયોજન ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ કરેલ. ડૉ.કે.યુ.બુંહાનો સહકાર પણ પ્રાપ્ત થયેલ.